કેળવણી – અનિલ જોશી
[ આ કૃતિઓ સુપ્રસિદ્ધ કવિ તેમજ સાહિત્યકાર શ્રી અનિલ જોશીના પુસ્તક ‘જળની જન્મોતરી’ માંથી સાભાર લેવામાં આવી છે.]‘પપ્પા, સ્કૂલ મટી ગઈ’
બાળક હંમેશાં સાચું બોલતું હોય છે. પણ આપણે એને ખોટું બોલતાં શીખવીએ છીએ. તમે જો કાન સરવા કરીને સાંભળશો તો તરત સમજાઈ જશે કે નકરું બાળક આપણા કરતાં વધારે સર્જનાત્મક અને સંસ્કારી ભાષા બોલતું હોય છે. એક વાર શાળામાં વૅકેશન પડ્યું ત્યારે નાનકડી રચનાએ દફતરનો ઘા કરતાં મને કહ્યું : ‘પપ્પા, સ્કૂલ મટી ગઈ.’ રચનાના આ ટચૂકડા વાક્યે મને વિચારતો કરી દીધો. રચનાએ એમ ન કહ્યું કે ‘સ્કુલમાં રજા પડી ગઈ’ પણ એમ કહ્યું કે ‘સ્કૂલ મટી ગઈ.’ અહીં મને થયું કે બાળકને મન શાળા કોઈ રોગ છે કે એ મટી જાય ? આપણા હાથ ઉપર ફોડકી થઈ હોય તો તે ફૂટીને રુઝાઈ જાય અને પછી મટી જાય એમ શાળાનું ગૂમડું વૅકેશન પડે ત્યારે બાળકની જીવતી ચામડી ઉપરથી મટી જાય છે. અહીં મારે એમ કહેવું જોઈએ કે આપણી શાળાઓ બાળકના વિસ્મયના ટ્રસ્ટી બનવાને બદલે વિસ્મયનું કબ્રસ્તાન બની ગઈ છે. બાળકના ઊછળતા વિસ્મયને યુનિફૉર્મના કફનમાંથી ઉગારી લેવું જોઈએ, એમ તમને નથી લાગતું ?
બાળકને પોતીકી ભાષા બોલવા દેવી જોઈએ. હું મારી ભાષાનાં બિબાં બાળક ઉપર ગોઠવી શકું નહીં. આપણે ભાષા શીખતા બાળક પાસે કમ્પોઝિટર તરીકે જવાનું નથી પણ બાળકના શ્રોતા તરીકે જવાનું છે. એટલી વાત જો ભાષાશિક્ષકને સમજાઈ જાય તો બાળકની મોકળી અભિવ્યક્તિને પાંખો ફૂટશે. બાળકની અભિવ્યક્તિનો એક જ દાખલો આપું : એક દિવસ અમારા પડોશમાં રહેતો સમીર પોતાની મમ્મી સાથે જૂહુ ફરવા ગયો. જૂહુના દરિયામાં ભરતીનો સમય ઘૂઘવતો હતો. પ્રચંડ ગતિથી મોજાંઓને કાંઠા ઉપર ધસી આવતાં જોઈને સમીરે તરત મમ્મીને કહ્યું : ‘મમ્મી, દરિયો આળોટતો આળોટતો આવે છે.’ અહીં તમે થોડોક વિચાર કરશો તો સમજાઈ જશે કે વિસ્મયની આંખ જ આળોટતા દરિયાને જોઈ શકે છે. આપણી ચશ્માંળુ આંખને પાણી દેખાય છે પણ દરિયો નથી દેખાતો. અહીં મારામાં અને બાળકમાં આટલો જ તફાવત છે કે હું પાણી જોઉં છું અને બાળક દરિયો જુએ છે. આપણી શિક્ષણ વ્યવસ્થા બાળકને ચશ્માં આપે છે પણ દષ્ટિ નથી આપતી. આજની ક્ષણે દષ્ટિની વાત કરવી એટલે ધૃતરાષ્ટ્રની આંખનું ઑપરેશન દલજિતસિંહ પાસે કરાવવા બરાબર છે. આપણે ઊછરતા બાળક સામે શૈક્ષણિક સાધનોનો અને ચોપડીઓનો ગંજ ખડકીએ છીએ. બાળકના લેખનકૌશલ્ય અને વાચનકૌશલ્ય ના વિકાસ માટે પરદેશથી આયાત કરેલી પદ્ધતિઓની માનસિક કસરતો યોજીએ છીએ, પણ એટલું નથી સમજતા કે બધું જ સરળ કરી દેવાથી બાળક વધુ ગૂંચવાય છે. બાળક સ્વયં સરળતાનો અવતાર છે. એ તમારી પાસે સરળતા શીખવા નથી આવતું પણ મથામણની તક શોધવા આવે છે. અહીં મારે એટલું જ સમજવાનું છે કે મારી ઈચ્છાની છાપ બાળકની કોરીધાકોર પાટી ઉપર ન લાગવી જોઈએ. શૈક્ષણિક સાધનો અને પાઠ્યપુસ્તકો એ બીજું કંઈ નથી પણ આપણી શૈક્ષણિક ઈચ્છાના રબ્બરસ્ટૅમ્પ છે. તમે રબરસ્ટૅમ્પથી બાળકને કેળવી શકો નહીં.
ભાષાશિક્ષણનો હેતુ
વર્ષો પહેલા જ્યારે વડાપ્રધાન રાજીવગાંધીએ ‘બાળકેન્દ્રી’ ‘સ્વઅધ્યયન’ પદ્ધતિ પર આધારિત નવી શિક્ષણનીતિને અમલમાં મૂકી ત્યારે ઢોલનગારાં વગાડીને એમ કહેવામાં આવ્યું કે ‘શિક્ષણના કેન્દ્રમાં બાળક હોવું જોઈએ.’ આ શૈક્ષણિક ઢંઢેરો સાંભળીને મારા જેવા સામાન્ય નાગરિકના મનમાં સહેજે સવાલ ઊઠે કે આટલાં વરસો સુધી શિક્ષણના કેન્દ્રમાં બાળક નહોતું તો બીજું કોણ હતું ? વળી નવી શિક્ષણનીતિમાં ‘સ્વઅધ્યયન’ પદ્ધતિનો તારસ્વરે પ્રચાર કરવામાં આવ્યો છે એટલે શું બાળકે બિનગુરૂ જ્ઞાન મેળવવાનું છે ? એ વાત કબૂલ કે બાળક પોતાની મેળે શીખતું થાય એ આદર્શ સ્થિતિ છે, પણ હૉમવર્કના ઢગલામાં બાળક પાસે મથામણ કરવાનો સમય જ ક્યાં છે ? એક વાર તમે એવો ફતવો બહાર પાડી દીધો કે બાળકને પોતાની મેળે શીખતું કરો. પણ બાળક પોતાની મેળે શીખે એવું પર્યાવરણ આપણી પ્રાથમિક શાળાઓ નીપજાવી શકે છે ખરી ? અભ્યાસ અને ટાઈમટેબલોની ખીચોખીચ ભરેલી શાળાઓમાં આપણી સિન્ડ્રેલા કોઈ રાજકુમારી નહીં બની શકે એ હકીકતનો રોતલ મોઢે સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. મને ઘણીવાર વિચાર આવે છે કે આપણું બાળક શાળામાં ભણતું જ નથી. એ માત્ર હાજરી પુરાવવા અને પરીક્ષા આપવા જ જાય છે. ખાનગી શાળાઓએ મોટાં મોટાં ડોનેશનો ઉઘરાવ્યાં છે. એટલે ‘બેબી સિટર’ ની જવાબદારી નભાવવી જ પડે. ખરું પૂછો તો આપણું બાળક કોચિંગ કલાસોનો રાફડો ફાટે અને ટ્યૂશનોની ઊધઈથી આખેઆખું બાળક ખવાઈ જાય છે એ હકીકતથી પુરવાર થાય છે કે બાળકને કેળવવાની જવાબદારીમાંથી શાળાઓ પાછલે બારણેથી છટકી ગઈ છે.
આપણે ત્યાં પ્રાથમિક શિક્ષણ બોડી બામણીના ખેતર જેવું બની ગયું છે. વર્ગમાં બેઠેલા ગભરુ બાળકમાં પ્રતિકાર કે વિરોધ કરવાની શક્તિ નથી એટલે અસહાય હાલતમાં બેન્ચ ઉપર માથું ઢાળીને સૂઈ ગયું છે. પ્રાથમિક શિક્ષણતંત્રમાં જોડાયેલા દરેક જણને બાળકવતી બોલવાનો અધિકાર આપોઆપ મળી જાય છે, એટલે પ્રાથમિક શાળામાં તંત્ર બોલે છે પણ બાળક બોલતું નથી. જે દિવસે બાળક બોલતું થાય છે કે વિચારતું થાય છે એ દિવસે બાળક દફતરનો ‘ઘા’ કરીને શાળામાંથી હિજરત કરી જાય છે. આ ન જોવી ગમે તેવી વરવી વાસ્તવિકતા છે. હું બાળકનું દફતર ફેંદવા બેસું છું ત્યારે મને એમાંથી ‘ખાલી જગ્યાઓ’ મળે છે. વાહિયાત સવાલો મળે છે. ‘હા’ કે ‘ના’ માં જવાબ મળે છે. ચવાઈ ગયેલા વિષયો ઉપર લખેલા નિબંધો મળે છે. વિચારવિસ્તાર મળે છે. પૂર્વાપર સંબંધ મળે છે. પણ બાળકના વિસ્મયનું મોરપિચ્છ મને ક્યાંય નથી મળતું. અહીં બાળકના દફતરમાં જે કાંઈ ખેરીચો ભર્યો છે એ ખેરીચો આપણી શિક્ષણવ્યવસ્થાની અંધાધૂંધીનો નાદાર નમૂનો છે.
હમણાં મુંબઈ યુનિવર્સિટીમાં ડૉ. બાંદી વાડેકરે મહાપાલિકાના ભાષાવિકાસ પ્રકલ્પના ઉપક્રમે યોજાયેલા એક વ્યાખ્યાનમાં કહ્યું કે આપણી શિક્ષણપદ્ધતિમાં માતૃભાષાની જેટલી ઉપેક્ષા થાય છે તેટલી ઉપેક્ષા બીજા કોઈ વિષયની નથી થતી. ડૉ. બાંદી વાડેકરનું નિરક્ષણ મને એટલા માટે સાચું લાગે છે કે સમગ્ર કેળવણીતંત્ર માતૃભાષાને હંમેશાં ‘ટૅકન-ફોર-ગ્રાન્ટેડ’ તરીકે જ લેતું આવ્યું છે. શિક્ષણક્ષેત્રમાં પડેલા દરેકના માનમાં એવી હીન ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ‘ગુજરાતી કાંઈ શીખવાની વસ્તુ છે ? એ તો બધાયને આવડે જ.’ અહીં મારે એ ભારપૂર્વક કહેવું છે કે આવી મનોદશાથી પીડતા ‘કેળવણીકારો’ ને નથી શુદ્ધ ઉચ્ચારથી બોલતાં આવડતું કે નથી સ્વતંત્ર રીતે લખતાં આવડતું. જો અંગ્રેજી ભાષામાં ભૂલેચૂકેય ખોટો સ્પેલિંગ લખાઈ જાય તો આભ તૂટી પડે છે. ગણિતના દાખલામાં ખોટી રકમ લખાઈ જાય તો આખો દાખલો ખોટો પડે છે પણ માતૃભાષામાં આખો ફકરો ખોટો લખાઈ જાય, ‘શ’નો ‘સ’ થઈ જાય અને આંધળે બહેરું કુટાઈ જાય તો આપણા પેટનું પાણી હાલતું નથી પણ નફ્ફ્ટ થઈને હીહીહી કરતાં હસી પડીએ છીએ. અહીં મારે એ કહેવું છે કે આપણી પાસે ડિગ્રીઓ છે પણ ભાષા નથી. ક્રિસ્ટોફર મોરલે નામના વિચારકે તો ત્યાં સુધી કહ્યું છે કે ‘વિચારોના જમાપાસા કરતાં વાણીનું ઉધારપાસું જેનું બહુ મોટું છે તે દુનિયાનો સૌથી દુર્ભાગી દેવાળિયો છે.’
હું બાળકના દફતરમાંથી ગુજરાતી નિબંધની નોટ કાઢીને જોઉં છું તો મને એમાંથી ચવાઈ ગયેલા વિષયો સિવાય કાંઈ મળતું નથી. ‘વર્ષાઋતુ’ , ‘હોળી’ અને ‘ઉતરાણ’ જેવા વિષયો જોઈને હવે ચીતરી ચડે છે. વિષયોની એકવિધતાથી બાળકનું લખાણ પણ એટલી હદ સુધી ફૉર્મ્યુલાગ્રસ્ત થઈ ગયું છે કે સ્વતંત્ર લેખન માટે કોઈ અવકાશ જ નથી રહ્યો. અભ્યાસક્રમના નિર્માતાઓ એટલું નથી સમજતા કે નિબંધલેખનમાં બાળકનું ઈન્વૉલ્વમેન્ટ હોય તો જ બાળકની અભિવ્યક્તિને પાંખો ફૂટે. અહીં ‘વર્ષાઋતુ’ ને બદલે ‘ચોમાસામાં મારી છત્રી કાગડો થઈ ગઈ ત્યારે –‘ અથવા ‘શહેરમાં પાણી ભરાઈ ગયાં ત્યારે’ એવા વિષયો આપીએ તો બાળકને કશું પોતીકું ઉમેરવાનો અવકાશ મળી રહે. અત્યાર સુધીમાં મેં હજારેક બાળકોના ‘વર્ષાઋતુ’ ઉપરના નિબંધો તપાસ્યા છે તેમાં મને એક બ્રહ્મવાક્ય દરેક નિબંધમાં અચૂક જોવા મળ્યું છે –
‘વર્ષાઋતુમાં ધરતીએ જાણે લીલી સાડી પે’રી લીધી છે.’ આ બ્રહ્મવાક્ય હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મેં પણ નિબંધની નોટમાં લખ્યું હતું. અહીં મારે એ કહેવું છે કે નિબંધલેખનમાં બાળક્ને અમુક બીબાઢાળ વાક્યસમૂહોના વળગણમાંથી મુક્ત કરવું જોઈએ. ભાષાવિકાસ પ્રકલ્પે આ દિશામાં કેટલાક પ્રયાસો હાથ ધર્યા તેનાં સુખદ પરિણામો આવ્યાં છે. ‘વરસાદ’ ઉપર હસનાબાદ મ્યુનિસિપલ શાળાનો છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી અશોક ચૌગુલે લખે છે : ‘એક ટીપું વરસાદનું ! વરસાદનું, ડુંગરનું માથું ભીંજવવાનું ભીંજવવાનું, દરિયાને નવડાવવાનું નવડાવવાનું, એક ટીપું વરસાદનું, વરસાદનું.
અહીં તમે જોઈ શકો છો કે છઠ્ઠા ધોરણમાં ભણતો અશોક ચૌગુલે ‘વરસાદનું ટીપું દરિયાને નવડાવવા આવે છે.’ એવી ચમત્કૃતિપૂર્ણ પંક્તિ લખી શકે છે. હસનાબાદ શાળાની ત્રીજા ધોરણમાં ભણતી કુ. શોભા શિવાજી દાંડે પોતાના ઘરમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે લખે છે :
ઘરમાં પંખો હોવો જ જોઈએ
ઘરમાં ફ્રિજ હોવું જ જોઈએ
ઘરમાં ટીવી હોવું જ જોઈએ
ઘરમાં કબાટ હોવું જ જોઈએ
ઘરમાં ભાઈબહેન હોવાં જ જોઈએ
પણ ઘરમાં તાળાં ન હોવાં જોઈએ.
અહીં જોઈ શકાય છે કે બાળકમાં સર્જકતા છલકાતી હોય છે. પણ એ સર્જકતાને પ્રગટવાનો અવકાશ શાળાઓમાં મળતો નથી. બાળકને બધું જ ગમે છે પણ તાળું નથી ગમતું એ વાત કેટલી સરસ રીતે અહીં કહેવાઈ છે. ભાષાશિક્ષણનો હેતુ બાળકની સર્જકતાને તાળું મારવાનો નથી એ વાત આપણે ટાઈમટેબલોમાં લખી રાખવી જોઈએ.
No comments:
Post a Comment
Please Give Your Valuable Comments