નીતીનાશને માર્ગે (ભાગ : 1) – ગાંધીજી
[વિષય-પ્રવેશ (તંત્રીનોંધ): આદિઅનાદી કાળથી છેક અર્વાચીન સમય સુધી માનવીની મૂળભૂત ખોજ છે – માનસિક શાંતી, પ્રસન્નતા અને તંદુરસ્તી. જીવનમાં પ્રાપ્ત થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરીને પણ મનુષ્ય આ ત્રણ વસ્તુને ટકાવી રાખવા સતત મથે છે. એ પછી ઝૂંપડીમાં રહેતો ગરીબ માણસ કે ભવ્ય મકાનોમાં રહેતો તવંગર ભલે ને કેમ ન હોય ! દરેકને આ ત્રણ વસ્તુમાં સતત વૃદ્ધિ જોઈએ છે. કોઈપણ ભોગે આમાંથી એકનો પણ અભાવ આપણે સહન કરી શક્તા નથી. એના વગર જીવનનું સંતુલન ખોરવાઈ જાય છે.ઉપરોક્ત ત્રણે વસ્તુ માનવીના જીવનમાં સતત ભરપૂર રહે અને માનવી પોતાના જીવનમાં કૃતકૃત્યતાનો અનુભવ કરે તે માટે મહાપુરુષોએ આપણને આહાર અને વિહારને પોતાના કાબૂમાં લેવાનું સૂચન કર્યું છે. મનુષ્ય પાસે પુષ્કળ ક્ષમતા છે પરંતુ તે જો આહાર અને વિહાર પર પોતાનો કાબૂ ગુમાવે તો તેનું શરીર રોગોનું ઘર થઈ જાય અને જીવન અદ્દભૂત લાગવાને બદલે બોજ લાગવા માંડે. શરીરની તમામ ઈન્દ્રિયો અને મનને જીતવું એ આપણા જેવા સામાન્ય માણસની વાત નથી. એ તો મહાપુરુષો કરી શકે પરંતુ આપણે મન અને ઈન્દ્રિયોને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન તો કરી જ શકીએ. ચલો, કદાચ સારા માર્ગે વાળવામાંય આપણને શ્રમ કરવો પડે પરંતુ આપણે તેને સમજીને વિવેક પૂર્વક ખરાબ માર્ગે જતા તો રોકી જ શકીએ.
આહાર માટે આખુ વિજ્ઞાન છે અને તેને લગતા અનેક નિયમો વિદ્વાનોએ સૂચવેલા છે. પરંતુ વિહાર માટે તો ઉચ્ચ પ્રકારનું ખૂબ ઓછું સાહિત્ય આપણે ત્યાં ઉપલબ્ધ છે. વિહારનો અર્થ અહીં બ્રહ્મચર્ય તરીકે આપણે લેવો છે. સંયમથી પ્રાપ્ત થયેલી ઉર્જા દ્વારા માનવી ધારે તે ક્ષેત્રમાં પોતે આગળ વધી શકે છે. વિહાર સાથે મન જોડાયેલું છે, અને માનવીની સંપૂર્ણ ક્રિયા મનને જ આધારિત હોય છે – જેથી યુવાનીમાં મનને કેળવવું અને તેને યોગ્ય દિશામાં વાળવું ખૂબ જરૂરી બની જાય છે. વર્તમાન સમયમાં ઠેર-ઠેર પીરસાતું અશ્લીલ સાહિત્ય, ફિલ્મો અને અનેક કુસંગો માનવીની ક્ષમતાને દબાવી દે છે અને તે બસ જાણે કે ખાઈ પીને બેસી રહે – એવું પશુમય જીવન જીવતો બની જાય છે.
વેદથી લઈને તમામ શાસ્ત્રોએ વિકારો સામે લડવા માટે સંયમનો મહિમા ગાયો છે. એની માટે મનને કેળવવું બહુ જરૂરી ગણાય છે. પહેલાના સમયમાં કહેવાતું કે ભારત એ મુક્તિનો પ્રદેશ છે. અહીં જન્મ મેળવવો એ જ મનુષ્ય જીવનની શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ છે, કારણકે અહીં જીવનને ભોગો તરફ વાળવામાં નથી આવતું. અહીં જીવનને સંયમિત કરીને માણવામાં અને પરમાત્માને પ્રાપ્ત કરાવવામાં આવે છે. આ વાત હવે ધીમે ધીમે ભૂલાતી જાય છે. અયોગ્ય ખાનપાન આપણામાં વાસનાઓને વધારે છે. એક સમય એવો આવે છે કે વાસનાનું ભૂત આપણા શુભ વિચારોને દબાવી દે એટલું હાવી થઈ જાય છે. આપણે આપણા શીલ અને ચારિત્ર્ય ને વિકસાવવાની જરૂર છે.
શા માટે આજે તાજા જન્મેલા બાળકો રોગી હોય છે ? શા માટે એમને જન્મથી જ હાર્ટના વાલ્વની ખામી હોય છે ? શા માટે એમને નાનપણથી ડાયાબિટિસ હોય છે ? તંદુરસ્ત માતા-પિતા જ તંદુરસ્ત બાળક્ને જન્મ આપી શકે અને તે માટે માતાપિતાએ સંયમ પૂર્વકનો ગૃહસ્થાશ્રમ નિભાવવાની જરૂર રહે છે. આ બધી વાતો આજના જમાનામાં હાસ્યાસ્પદ લાગે પણ જેને પોતાના ઘરમાં બધાનું સંપૂર્ણ નિરોગી આયુષ્ય ભોગવવું હોય એણે શીલ અને સંસ્કારપૂર્વક સંયમિત જીવન જીવવું જરૂરી છે. હોટલો અને લારીઓના ખોરાક ખાઈને આપણા મન અને ચિત્ત વાસનાઓથી ઘેરાય છે. વૈદિકકાળમાં સંતાનોત્તપતિ યોગથી થતી હતી એ માણસની ખોટી મનોવૃત્તિ પ્રમાણે ભોગ બની ગઈ છે. આ બધાને પરિણામે ધીમે ધીમે માનવીનું આયુષ્ય ક્ષીણ થતું જાય છે. નબળા મનને લીધે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ભોગ બને છે. જીવનનો મોટોભાગ ડિપ્રેશનમાં પસાર થાય છે. આખું જીવન અસ્તવ્યસ્ત બને છે.
બ્રહ્મચર્ય એટલે સ્ત્રી પુરુષે એકબીજાથી દૂર રહેવું તેમ નથી. બ્રહ્મચર્ય એટલે મનની શુદ્ધતા. ઉચ્ચ પ્રકારના સંતાનોની ઉત્પત્તિ માટેનું એક સંયમિત જીવન એટલે બ્રહ્મચર્ય. ભગવાને ગીતામાં કહ્યું છે કે ‘ધર્મ અવિરુદ્ધ કામ મારી વિભૂતિ છે.’ એટલે કે ધર્મ પ્રમાણે જીવન જીવવા માટે સંતાનોત્પતિ કરવી પડે એ કાર્ય ઈશ્વરની વિભૂતી સમાન છે. તેથી જ આપણે લગ્ન ને પણ ‘સંસ્કાર’ માનીએ છીએ. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે બધા તંદુરસ્ત રહીએ, આપણા વિચારો સારા બને, આપણા આવનારા બાળકો પણ તંદુરસ્ત હોય – પરંતુ એ બધા માટે કેવી જીવન શૈલી રાખવી જોઈએ તેની પર આપણી ભાગ્યે જ દ્રષ્ટિ જાય છે. સંતો કહે છે કે ઈશ્વર તો અવતાર લેવા વૈકુંઠથી ક્યારનાય નીકળી ગયા છે પરંતુ શીલ, સંયમ અને સંસ્કારથી જીવતું દંપતિ મળે તો એ આવે ને ! દંપતિનું જે પ્રમાણેનું જીવન હોય, જે પ્રમાણેનું ખાનપાન હોય, જે પ્રમાણેનું શીલ-ચરિત્ર હોય અને જે પ્રમાણેની મનોવૃત્તિ હોય અને બંનેના મિલનના સમયે જે પ્રમાણેની બંનેની મન:સ્થિતિ હોય તે પ્રમાણેનો આત્મા પૃથ્વી પર તેમના દ્વારા અવતરે છે. આ બધાની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન રહેલું છે.
આજકાલ અખબારોમાં યુવાનો અને દંપતિઓની ‘સમસ્યા’ને લગતી કૉલમો ચલાવવામાં આવે છે પરંતુ એ જીવન માટેના શાસ્ત્રોકત માર્ગનો નિર્દેશ નથી કરતી. આ પ્રકારની અનેક સમસ્યાઓ મહાપુરુષોએ પણ અનુભવેલી છે. તેઓ મનને કેળવીને તેમાંથી પાર નીકળી ગયા છે જ્યારે આજનો યુવાન એ માટે કોને પૂછવું તેની દ્વિધામાં મૂંઝાઈ રહ્યો છે. આ વિષય એટલો નાજુક છે કે તેમાં કોઈ મહાપુરુષની આંગળી પકડીને ચાલ્યા વગર છૂટકો નથી. આપણી પાસે એટલું બધું સત્વશીલ સાહિત્ય છે કે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આજની યુવાપેઢીને અનેક રીતે આ સમસ્યાઓથી માર્ગદર્શન મળી રહે છે. એ આવેગો ને આપણે એક સારી દિશા આપી શકીએ છીએ. શરીરના નિમ્ન માર્ગોથી વહી જતી એ ઊર્જાને આપણે ઊર્ધવગામી કરીને પ્રચંડ બુદ્ધિશક્તિ અને એકાગ્રતા કેળવી શકીએ છીએ.
વાચકોને જાણીને નવાઈ લાગશે કે પૂ. ગાંધીબાપુ ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં યુવાનોને બ્રહ્મચર્ય ને લગતી સમસ્યાઓ માટે એક કૉલમ ચલાવતા હતા અને સમગ્ર દેશમાંથી અનેક યુવાનો તેમને ખુલ્લી રીતે પત્રો દ્વારા બાપુને પ્રશ્નો પૂછતા હતા અને બાપુ પણ પોતે ચોખ્ખા શબ્દોમાં જવાબ આપતા હતા. તેમની આ પ્રશ્નોત્તરીને લગતું એક પુસ્તક ‘નવજીવન પ્રેસ’ દ્વારા 1927 ની સાલમાં પ્રગટ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ‘નીતીનાશને માર્ગે’.
રીડગુજરાતીનું સ્વરૂપ શિષ્ટ અને જીવનપ્રેરક સાહિત્યના પ્રકારનું છે તેથી આ પ્રકારના વિષયોને તેમાં લઈ શકાતા નથી પરંતુ એક મહાત્માના માધ્યમથી જ્યારે આ નાજુક વિષયોને જોવામાં આવે છે ત્યારે એક નવો દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થાય છે. યુવાનોને પુષ્ટ બનાવવા માટે, તેમનામાં રહેલી ઊર્જાનો સદઉપયોગ થાય તે માટે અને આવનારી ભાવી પેઢીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે તે માટે આ ‘વિહાર’ ના વિષયની ચર્ચા કરવી જરૂરી બને છે. (આહાર વિશેની ચર્ચા આપણે ફરી કોઈ વાર કરીશું) બાપુ એ તો ખૂબ ખુલ્લા શબ્દોમાં એની ચર્ચા કરી છે પરંતુ એ વ્યક્તિગત રીતે જ વાંચી શકાય એમ છે, તેને જાહેરમાં તે જ સ્વરૂપે રજૂ કરવી – એ જરા અઘરું કામ છે. તેમ છતાં અમુક વિભાગોને બાદ કરતાં, જેટલું ઉપયોગી અને જરૂરી છે તે આ પુસ્તકમાંથી અમુક મર્યાદા સચવાય તે રીતે આપવાનો એક વિનમ્ર પ્રયાસ કરું છું. ભાગવતપ્રેમી વાચકો તો જાણતા જ હશે કે શ્રીમદ ભાગવતના ‘ઉદ્ધવગીતા’ પ્રકરણમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યુવાનો માટે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી છે. તેથી પરમાત્મા અને મહાત્મા બંનેના શબ્દોને તંદુરસ્ત અને તેજસ્વી ભારતનું નિર્માણ થાય તે હેતુથી અહીં મૂકવાનો પ્રયાસ કરું છું. આમ છતાં કોઈ વાચકોને અયોગ્ય કે રૂચીભંગ લાગે તો ક્ષમા કરે. – તંત્રી ]
…………………………….
નીતીનાશને માર્ગે….
આ વિષય ઉપર લખવું સહેલું નથી પણ મારો પોતાનો અનુભવ એટલો વિશાળ છે કે તેમાંનાં થોડાં બિંદુ વાંચનારને આપવાની ઈચ્છા રહ્યા કરે છે. મારી પાસે આવેલા કેટલાક પત્રોએ તે ઈચ્છામાં વધારો કર્યો છે. એક ભાઈ પૂછે છે : ‘બ્રહ્મચર્ય એટલે શું ? તેનું સંપૂર્ણ પાલન શું શક્ય છે ? જો શક્ય હોય તો તમે તેનું પાલન કરો છો ?’
બ્રહ્મચર્યનો પૂરો અને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે. એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંતર્જ્ઞાનથી થાય. એ અંતર્જ્ઞાન ઈન્દ્રિયોના સંયમ વિના અશક્ય છે. તેથી સર્વ ઈન્દ્રિયોનો મનથી, વાચાથી અને કાયાથી સર્વ ક્ષેત્રે સર્વ કાળે સંયમ તે બ્રહ્મચર્ય. આવા બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનારા સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી આવાં સ્ત્રીપુરુષ ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવાં છે. મને કહેતા દિલગીરી થાય છે કે આવા સંપૂર્ણ બ્રહ્મચર્યની દશાએ હું પહોંચ્યો નથી. કાયા પર મેં કાબૂ મેળવ્યો છે. જાગ્રત અવસ્થામાં હું સાવધાન રહું છું. વાચા અર્થાત બોલવા પર સંયમ રાખતા શીખ્યો છું. વિચાર ઉપર મારે હજુ બહુ કાબૂ મેળવવાનો બાકી છે. જે વખતે જે વિચાર કરવાના હોય તે વખતે તે જ વિચાર આવવાને બદલે બીજા પણ આવે. તેથી વિચારો વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલ્યા જ કરે છે.
જાગ્રત અવસ્થામાં તો હું વિચારોને રોકી શકું છું પરંતુ નિદ્રા અવસ્થામાં અનેક પ્રકારના વિચારો આવે, ન ધારેલાં સ્વપ્ન પણ આવે, વાસનાઓ જાગૃત થાય અને આવા વિચારો જ્યારે મેલા હોય ત્યારે સ્વપ્નદોષ પણ થાય. આ સ્થિતિ વિકારી જીવનની છે. એમાં આપણે બદલાવ લાવી શકીએ. જો મેં વિચારો પર કાબૂ રાખ્યો હોત તો છેલ્લા દસ વર્ષમાં મને પાંસળાંનો વરમ, મરડો અને ઍપેન્ડિક્સ ના જે દર્દો થયા એ ન જ થાત. હું તો માનું છું કે નીરોગી આત્માનું શરીર પણ નીરોગી રહેવું જોઈએ. જેમ જેમ વિચારોની શુદ્ધતાથી આત્મા નીરોગી અને નિર્વિકારી થતો જાય તેમ તેમ શરીર પણ નીરોગી થતું જાય. આનો અર્થ એવો નથી કે નીરોગી શરીર એટલે બળવાન શરીર. તેજવંત અને બળવાન, જાગૃત આત્મા તો ખરેખર ક્ષીણ શરીરમાં જ વસે છે. જેમ આત્મબળ વધે તેમ શરીરક્ષીણતા વધે. સંપૂર્ણ રીતે નીરોગી શરીર ઘણું ક્ષીણ હોઈ શકે. બળવાન શરીરમાં ઘણે ભાગે રોગ તો હોય જ, ફકત ઉપરથી દેખાતા ન હોય.
અભ્યાસદ્વારા આ બધું કેળવી શકાય. હું મારા આત્મઅનુભવનું વર્ણન એટલા માટે કરું છું કે જેમણે મને કાગળ લખ્યો છે તેઓને અને તેમના જેવા બીજાઓને ધીરજ રહે ને આત્મવિશ્વાસ વધે. બધાનો આત્મા એક જ છે. બધાના આત્માની શક્તિ સરખી છે. માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઈ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે. પ્રયત્ન કરે તેને પણ તે અનુભવ મળે જ.
મને તો એમ લાગે છે કે સ્વાદેન્દ્રિયસંયમ (અર્થાત ખાવા પર સંયમ) ઉપર એટલો ભાર નથી મુકાયો, તેથી વિષયેન્દ્રિયસંયમ વધારે મુશ્કેલ બન્યો છે; લગભગ અશક્ય જેવો થઈ ગયો છે. વળી રોગથી અશક્ત થઈ ગયેલા શરીરમાં હંમેશા વિષયવાસના વધારે રહે છે એવો વૈદોનો અનુભવ છે. તેથી પણ આ રોગગ્રસ્ત પ્રજાને બ્રહ્મચર્ય કઠિન લાગે છે. બ્રહ્મચર્યનો કોઈ એવો અર્થ ન લે કે કોઈએ શરીરબળ કેળવવું જ નહિ. મેં તો સુક્ષ્મતમ બ્રહ્મચર્યની વાત મારી અતિ પ્રાકૃત ભાષામાં લખી છે. તેથી કદાચ કોઈને ગેરસમજ થાય. જેને સર્વેન્દ્રિયનો સંપૂર્ણ સંયમ પાળવો છે, તેને છેવટે શરીરક્ષીણતાને વધાવ્યે જ છૂટકો છે. જ્યારે શરીર ઉપર મોહ અને મમતા ક્ષીણ થાય, ત્યારે શરીરબળની ઈચ્છા જ ન રહે. વિષયોને જીતનારનું શરીર ભલે દુબળું બને પણ તે તેજસ્વી અને નિરોગી બને છે. આ બ્રહ્મચર્ય અલૌકિક છે. જેને સપનામાં પણ વિકારો ના આવે એ જગત વંદનિય છે. એ જ ખરી રીતે જીવનને સ્વસ્થ રીતે માણી શકે છે.
આજે મને એક ભાઈનો પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે : “પૂ. બાપુ. મારી સ્થિતિ દયાજનક છે. રસ્તામાં, રાત્રે, વાંચતા, લખતા અને છેકે ઈશ્વરનું સ્મરણ કરતાં પણ મને સ્ત્રીઓના જ વિચારો આવે છે. મનના વિચારો ને કાબૂમાં કેવી રીતે રાખવા ? સ્ત્રીમાત્ર તરફ માતૃભાવ કેમ કેળવવો ? આંખોમાંથી શુદ્ધ વાત્સલયનાં કિરણો કેમ નીકળે ? બ્રહ્મચર્ય વિષે તમારા અનેક લેખ વાંચ્યા છે પણ આવા સમયે એ જરાય કામ નથી લાગતા.”
મારી દ્રષ્ટિએ આ સ્થિતિ હૃદયદ્રાવક છે. ઘણા લોકોને મોટી ઉંમરે પણ આ સ્થિતિ હોય છે. પણ જ્યાં સુધી મન તેવા વિચારો સાથે લડ્યા કરે, ત્યાં સુધી ગભરાવવાનું કોઈ કારણ નથી. જેને બહુ વિકારો પજવતા હોય અને દ્રષ્ટિ સ્થિર ન રહેતી હોય તેમણે એવા દ્રશ્યો વખતે આંખો બંધ કરી દેવી જોઈએ. આંખો હંમેશા નીચી રાખીને ચાલવાની રીત સારી છે. જ્યાં એ પ્રકારની વાતો થતી હોય, ઉત્તેજક સંગીતો વાગતા હોય, ફિલ્મો ચાલતી હોય ત્યાંથી નાસી જવું જોઈએ. એમ કરવામાં આપણે ડરપોક અને કાયર છે એમ ના માનશો. લાંબે ગાળે જો કુટેવો પડી ગઈ તો સ્વાસ્થય આપણું જ બગડશે.
મારો તો એવો અનુભવ છે કે વ્યક્તિએ સ્વાદેન્દ્રિય પર ખૂબ ખૂબ કાબૂ મેળવવો જોઈએ. જેણે સ્વાદ નથી જીત્યો એ પછી સ્ત્રી હોય કે પુરુષ, કોઈ વિકારોને જીતી શકતા નથી. સ્વાદને જીતવો બહુ કઠિન છે. એ વિજય થઈ જાય તો બીજા અનેક વિજય આપણા હાથમાં આવી જાય. સ્વાદ જીતવા સારું એક તો નિયમ છે કે મસાલાઓનો સર્વથા અથવા બને તેટલો ત્યાગ કરવો. અને બીજો નિયમ એ છે કે શરીરના પોષણ સારું આપણે ખાઈએ છીએ, સ્વાદ માટે નહિ – એવી ભાવના સતત કેળવવી. આપણે હવા સ્વાદ સારું લેતા નથી, પણ શ્વાસ સારું લઈએ છીએ. પાણી તરસ મટાડવા અને અન્ન કેવળ ભૂખ મટાડવા લેવાય. બચપણથી જ આપણને માબાપ એથી ઊલટી ટેવ પાડે છે. આપણા પોષણને સારું નહીં પણ પોતાનું વહાલ બતાડવા આપણને અનેક જાતના સ્વાદ શીખવી આપણને બગાડે છે. આવા વાતાવરણ વચ્ચે આજે આપણે રહેવાનું થયું છે.
યુવાનોને વિકારો-ઈચ્છાઓ જીતવા સામેનો સુવર્ણ નિયમ તો રામનામ અથવા એવો કોઈ પણ મંત્ર જાપ છે. જેના જે ધર્મ હોય એ પ્રમાણે. મને તો બચપણથી રામનામ શીખવામાં આવેલ તેથી મને તો એનો આધાર મળ્યાં જ કરે છે. જે મંત્ર લઈએ એમાં આપણે તલ્લીન થવું જોઈએ. ભલે મંત્ર જપતાં બીજા વિચારો આવ્યાં કરે, તે છતાં શ્રદ્ધા રાખી જે મંત્રનો જાપ જપ્યાં જ કરશે, તે અંતે વિજય મેળવશે એમાં લેશમાત્ર પણ શંકા નથી. એ મંત્ર એની જીવનદોરી થશે, મંત્ર જ એને બધા સંકટોમાંથી બચાવશે. એટલું યાદ રાખવું કે એ મંત્ર પોપટની માફક ન પઢાય, એમાં આત્મા પરોવવો જોઈએ. મંત્ર શક્તિમાં વિશ્વાસ રાખવો.
મારે સંતતિનિયમનના સાધનો અંગે મારા દેશની પ્રજાને કંઈક કહેવું છે. આ વિષય વિશે લખતા હું ખૂબ સંકોચ અનુભવું છું અને કંઈક અંશે તો મરજીવિરુદ્ધ લખું છું. કૃત્રિમ સાધનોની શોધ થઈ એ વખતે મારા ચિત્તમાં બહુ ઉથલપાથલ હતી. એ પછી મારો મત નિશ્ચિત બન્યો અને એ સાધનોનો હું સખત વિરોધી બન્યો. તેમ છતાં અમુક હિન્દી છાપાઓ આજે મારું નામ લઈને એવું ખોટું છાપે છે કે બાપુ સંતતિનિયમનના સાધનોની તરફેણ કરે છે. હું એની કદી તરફેણમાં નથી. સંતાનવૃદ્ધિની મર્યાદા (પૉપ્યુલેશન કંટ્રોલ) માટેનો એક જ ઉપાય હોઈ શકે તે છે સંયમ અર્થાત સંયમિત બ્રહ્મચર્ય. આ એનો રામબાણ ઉપાય છે. કૃત્રિમ સાધનો શોધનાર ડૉક્ટરો જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો મનુષ્યજાતિ માટે સદા આશીર્વાદ રૂપ બનશે. સ્ત્રીપુરુષનોસંયોગ નો હેતું વિષયસુખ નહીં પણ તંદુરસ્ત સંતાનની પ્રજોત્પતિનો છે. જ્યાં પ્રજોત્પતિની ઈચ્છાનો અભાવ હોય ત્યાં એ સંયોગ ગુનો બને છે. પોતાના કર્મ ફળમાંથી બચી જવાની કોશિશ કરવીએ ખોટું છે, અનીતિમય છે. જેવી રીતે પોતાની જીભને છુટ્ટી મૂકી દઈને માણસ જે મળે તે ખાયા કરે, પેટ ઠાંસી ઠાંસીને ભરે અને પછી એને પચાવવા માટે પાચનની ગોળીઓ લે એ ખોટું છે, એવી જ રીતે આ સાધનોથી પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના કુદરતી પરિણામોમાંથી બચી જાય એ તેથીય ભૂડું છે. કુદરત કોઈની દયા ખાતી નથી, એના નિયમોના ઉલ્લંધનનું પૂરેપુરું ભાડું વસુલ કરે છે. મોટી ઉંમરે એ બધુ રોગ સાથે વસૂલ થાય છે. સંતતિનિયમનના સાધનો વાળાઓ એવું કહે છે કે માણસને વિષયભોગની ઈચ્છા થવી એ કુદરતી છે. (આજકાલ સ્કૂલોમાં પણ એ પ્રમાણે શીખવાડાય છે.) પણ આ એક બહુ મોટો ભ્રમ છે. જેમણે સ્વસ્થ, તંદુરસ્ત અને ઉચ્ચ કોટિના સંતાનોની ઉત્પતિ કરવી હોય તેમણે આપણા પ્રાચીનોએ જે ઉપાય યોજ્યા હોય એ અને ભારતના દર્શનોને સમજવું બહુ જરૂરી છે. કુદરતી સંયમ છોડીને જેમ જેમ લોકો કૃત્રિમ સાધનો નો ઉપયોગ કરવા માંડશે તેમ તેમ સમાજની નૈતિક અધોગતિ થશે. વ્યક્તિઓ સાવ નિ:સત્વ (સત્વ, તેજ વગરનાં) બની જશે. જે લોકો આ સાધનો ને આજે ઉત્તેજન આપી રહ્યા છે તેઓ ફરીવાર આ બાબતમાં અભ્યાસ કરે એ જરૂરી છે. હું વૃત્તિઓને દબાવવાનું નથી કહેતો, પણ સમજપૂર્વક મનની સ્થિતિ જ એવી કેળવવમાં આવે કે વિકારો આપણને સ્પર્શે જ નહીં. કૃત્રિમ સાધનોનો જો વધુ પ્રચાર થશે તો વિવાહ બંધન જ તૂટી જશે અને લોકો સ્વછંદની રીતે વર્તશે.
આજે વળી મને એક જણે પત્ર લખ્યો છે કે ‘બાપુ, તમે કહો છો કે સ્ત્રીપુરુષના સંયોગનો અર્થ સુખ નહીં પણ માત્ર પ્રજોત્પતિ છે. તો ઈશ્વરે માણસમાં આટલી બધી કામવૃત્તિ શું કામ મૂકી ? કૃત્રિમ ઉપાયો વાપરવામાં શું ખોટું છે ?’
સૌપ્રથમ તો વાત એ છે કે જરૂરથી અધિક કામવૃત્તિ ઈશ્વરે આપણામાં મૂકી જ નથી. એ આપણા ખોરાક, આહાર, વિહારને પરિણામે ઉશકેરાયેલી અને વિફરેલી વૃત્તિ છે એના લીધે તમને એમ લાગે છે કે આ તો બધું કુદરતી રીતે થાય છે, વાસ્તવમાં એ કુદરતી નથી. ગમે તેવા સારા હોય તો પણ કૃત્રિમ સાધનો હાનિકારક છે. તે પોતે કદાચ હાનિકારક ન હોય પણ વારંવાર તેનો ઉપયોગ કામવાસનાને પ્રબળ કરે છે. વિષય સેવન યોગ્ય છે અને ઈચ્છવા જેવું છે અને પ્રાકૃતિક છે એમ જે માનશે એ છેવટે પોતાનું મનોબળ ખોઈને નાની ઉંમરે જ રોગી થઈ જશે.
[ક્રમશ: - ભાગ-2 ટૂંક સમયમાં....]
No comments:
Post a Comment
Please Give Your Valuable Comments